શ્વાસે સુવાસ
તું આવી ને મારા શ્વાસે સુવાસ બેઠી રે,
સૂની ડેલી, સૂના ઓરડે અજવાસ બેઠી રે.
મોગરાની કળી જેવું હસતી તું આંગણે આવી,
તુલસીક્યારે દીવો મૂકી, સાંજને તેં સજાવી;
મારી ખાલી હથેળીમાં રેખા ખાસ બેઠી રે…
તું આવી ને…
ખોંખારે ખોંખારે ખખડતું ઘર હવે ગાતું,
મારું ઉતાવળું મન પણ ધીમે ધીમે ઠરતું;
ઘડિયાળના કાંટે જાણે નવી આશ બેઠી રે…
તું આવી ને…
પરાગ કહે: ફૂલ ખીલે ત્યાં મ્હેક ક્યાંય ન છૂપે,
તું તો જીવતરને ઓઢાડી ચાંદનીની ચૂંદડી રૂપે;
મારી એકલતાની ડાળે આખી રાસ બેઠી રે…
તું આવી ને…
– પરાગ રતનપરા