આપજો
રાજ ના, વૈભવ ન માગું, બસ સરળતા આપજો,
હાથ ખાલી હો ભલે, પણ ચિત્ત-સમતા આપજો.
વૃદ્ધ મા જ્યારે પડે, ત્યારે ન હું ચૂકું કદી,
હું ય એની મા બનું, બસ માતૃ-મમતા આપજો.
પથ્થરો ફેંકે મને જે, એ ય ઝીલું ફૂલ થઈ,
ઘાવ પર મલકી શકું, એવી જ ક્ષમતા આપજો.
રોજ માળા ફેરવી ને ગણતરી કીધી ઘણી,
તોય ના આવ્યો, હવે તો શિશુ-સહજતા આપજો.
રંગ ના માગે, ન માગે ફૂલનો ઠસ્સો ‘પરાગ’,
શબ્દમાં બસ મધ સમી, મીઠી મધુરતા આપજો.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #આશીર્વાદ #સરળતા #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Blessings #Simplicity #Devotion #ParagRatanpara