શુકન
આજ સવારે ડાબી આંખ ફરકી રે સખી,
ઓસરીએ ચકલી ચીં ચીં ચહકી રે સખી…
દૂધ ઊભરાયું ચૂલે, ને આંગણે ઊગ્યો તડકો સોનેરી,
પાણિયારે બેડું છલક્યું, ને વાયરે આવી ફોરમ ઘેરી;
મારી સાડીની કોર જરા અમથી લહેકી રે સખી…
આજ સવારે…
ટપાલી આવ્યો નહીં, ને ફોન પણ ના રણક્યો,
તોયે મારો જીવ, સખી, ઝાંપે જઈને અટક્યો;
મનની ગાગર જોને, આજે કેવી છલકી રે સખી…
આજ સવારે…
પરાગ કહે: શુકન-અપશુકન તો મનનો ખેલ,
જે આશાએ જીવે, એને રોજ મળે છે મેળ;
સાંજે આવ્યો સાયબો, ત્યાં આખી રાત મહેકી રે સખી…
આજ સવારે…
– પરાગ રતનપરા