← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કામ લાગી આ ગઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊંઘ ના આવી જ રાતે, કામ લાગી આ ગઝલ,
એ રિસાણી એક વાતે, કામ લાગી આ ગઝલ.

કોઈ શ્રોતા ના, ન છાપું, ના કશે પણ મંચ, તો
ઓરડામાં ગાઈ જાતે, કામ લાગી આ ગઝલ.

રાતભર તોફાન, ઝંઝા, ને નદીમાં પૂર પણ,
ગામને ગાતાં પ્રભાતે, કામ લાગી આ ગઝલ.

ઝેર જેવા બોલ બોલ્યો કોક પોતાનો જ જ્યાં,
ઘાવ ઊંડા, એ જ ઘાતે, કામ લાગી આ ગઝલ.

ફૂલ, ભમરો, વાયરો ને આ પરાગી સગપણો,
એ બધાને એક નાતે, કામ લાગી આ ગઝલ.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિતા #શબ્દનોસાથ #એકલતા #સાંત્વના #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetryHeals #WordsAsCompanion #Solitude #Solace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશુકનઆગલો લેખ →ઊંઘ ક્યાં?