← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્રાવણની રાખડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્રાવણ વરસ્યો, ભીંજી રાખડી, વીરો ક્યારે આવે?
સાત સમંદર પાર ગયો, એને કોણ સંદેશો લાવે?

ગામને પાદર મેળો ભરાયો, ઝૂલે ઝૂલે ગીત,
સહુની બેનીને વીરા મળ્યા, મારી સૂની રીત;
આંગણે ઊભી જોઉં વાટડી, મોર ટહુકી બોલાવે…
શ્રાવણ વરસ્યો…

વીડિયો કૉલે વીરો બોલ્યો: ‘બેની, બાંધી દે ને!’
સ્ક્રીનને મેં તો રાખડી બાંધી, આંસુ ચોંટ્યાં એને;
કાચની પેલે પાર વીરો, આ પાર હૈયું ગાવે…
શ્રાવણ વરસ્યો…

પરાગ કહે: આ શ્રાવણ ભીનો, ભીનો બેનીનો સાદ,
દરિયા પાર જે ગયા, એનેય પાંપણે રહે યાદ;
રેશમનો આ તાંતણો, ભાઈ, દરિયાને ય બંધાવે…
શ્રાવણ વરસ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહસે છેઆગલો લેખ →ફાગણે