શિયાળુ તડકો
મને શિયાળુ તડકો વહાલો, જાણે ગરમ ચાનો કપ,
ધાબે બેસી ચીકી ચાવું, ને આળસ બોલે: ‘ચુપ!’
સવારે ગોદડું છોડું તો જાણે છોડું પિયર,
બા કહે ‘ઊઠ’, ને હું કહું: ‘બસ પાંચ મિનિટ, ડિયર!’
દાતણ લઈને તડકે બેસું, ઊંઘ ફરી આવે ગુપચુપ…
મને શિયાળુ…
ઊંધિયું, પોંક ને લીલી હળદર, ઘીમાં ઝબોળ્યો રોટલો,
‘ડાયેટ’ શબ્દ જે બોલે, એને આપો ઠંડો ઓટલો!
સ્વેટર નીચે ફાંદ સંતાડું, ભાર વધે તો છુપ…
મને શિયાળુ…
પરાગ કહે: આ તડકો તો છે સૂરજદાદાનું હેત,
ઠંડીમાં થથરતાં હૈયાંમાં ભરી દે ગરમ ચેત;
પણ બપોરે ખાટલે ખેંચી, ઊંઘાડી દે ટપ…
મને શિયાળુ…
– પરાગ રતનપરા