શિક્ષક
ત્રીસ વર્ષ
ગામની નિશાળમાં ભણાવ્યું.
એક છોકરો હતો —
છેલ્લી પાટલી,
ફાટેલું દફતર,
ના ગણિત આવડ્યું,
ના વ્યાકરણ.
મેં એને ઘણી વાર
વર્ગની બહાર ઊભો રાખ્યો.
ગઈ ચોમાસે
મારી ઓસરીનું છાપરું
પવનમાં ઊડી ગયું.
બીજે દિવસે સવારે
એ જ છોકરો —
હવે મોટો, મજબૂત —
નળિયાં લઈને આવ્યો,
છાપરે ચડ્યો,
ને ઊતરતાં બોલ્યો:
‘સાહેબ, તમે એક વાર કીધું’તું,
માણસ થજે.’
મને યાદ પણ નથી
મેં ક્યારે કીધું’તું.
એ મારું
એકમાત્ર પાસ થયેલું
પાઠ્યપુસ્તક હતું.
– પરાગ રતનપરા