શિખામણ
જા દીકરા, તું શહેર જા, પણ ગામને સાથે રાખજે,
ઊંચી ઇમારત ચડજે, પણ ઉંબરને યાદ રાખજે.
પૈસો કમાજે મન ભરીને, પણ પરસેવો ના ભૂલજે,
ફૂલની જેમ ખીલજે ભલે, પણ મૂળને જળ તું સીંચજે;
માથું ઊંચું રાખજે, પણ નમવાનું ના ચૂકજે…
જા દીકરા, તું શહેર જા…
ઝાકઝમાળે આંખ અંજાશે, ભીડમાં જાશે ખોવાઈ,
ત્યારે બાનો ચહેરો યાદ કરજે, મારગ દેશે સોહાઈ;
હસતાં હસતાં હારી જાજે, પણ દગો ના આપજે…
જા દીકરા, તું શહેર જા…
પરાગ કહે: આ શિખામણ નથી, બાપનું છે આશિષ,
વડલો દૂરથી છાંયો આપે, ના માગે કૈં બક્ષિસ;
વરસે એકાદ વાર તો ઘેર આવીને ભીંજાજે…
જા દીકરા, તું શહેર જા…
– પરાગ રતનપરા