શેઠ અને કવિ
શેઠજી બોલ્યા: ‘કવિરાજ, લખો એક ગીત અમારે નામ,
તાળી પાડીશું, ફોટો પાડીશું, પણ પૂછશો ના કંઈ દામ!’
કવિએ આખી રાત ઉજાગરે શબ્દો વીણી ગૂંથ્યા,
શેઠની મૂછના વળમાં ગંગા, જમના, સાગર ઘૂંટ્યા;
સવારે સભામાં ગાયું ત્યાં સૌ બોલ્યા: ‘વાહ! તમામ!’ —
શેઠજી બોલ્યા: ‘વાહ કવિરાજ!’… પણ પૂછશો ના કંઈ દામ!
કવિ કહે: ‘શેઠ, ઘેર ચૂલો ઠંડો, છોકરાં માગે રોટી,’
શેઠ હસ્યા: ‘લ્યો શાલ ને શ્રીફળ, ને આ છાપાની ફોટો મોટી!’
શાલ ઓઢીને ભૂખ્યા સૂજો, શ્રીફળ રાખો ઠામ —
શેઠજી બોલ્યા: ‘સન્માન લ્યો!’… પણ પૂછશો ના કંઈ દામ!
પરાગ કહે: આ શરણાઈ ને શેઠ, વાત જૂની પણ તાજી,
કલાકારને તાળી મળે, ને શેઠને મળે છે બાજી;
કવિતાનો ભાવ પૂછે બજાર, ત્યાં હૈયું થાય નીલામ —
શેઠજી બોલ્યા: ‘ફરી પધારજો!’… પણ પૂછશો ના કંઈ દામ!
– પરાગ રતનપરા