← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શરદપૂનમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામમાં
શરદપૂનમની રાતે
બા અગાશી પર
દૂધ-પૌંઆની તપેલી મૂકતી,
ઉપર ઝીણું કપડું ઢાંકીને.

કહેતી:
‘ચાંદનીનું અમૃત ઊતરશે.’

અમે આખી રાત
તપેલીની આસપાસ ગરબા ગાતાં,
ને વારેવારે ડોકિયું કરતાં —
અમૃત ક્યારે પડે છે?

આજે
શહેરના વીસમા માળે
ચાંદો ફોનના સ્ક્રીન પર જોઉં છું,
ફિલ્ટર લગાડીને.

દૂધ ફ્રીજમાં છે,
પૌંઆ ડબ્બામાં.

અમૃત તો ત્યારે પણ નહોતું ઊતરતું, બા;
એ તો
તારા ઢાંકેલા કપડામાંથી
ગળાઈને આવતું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાથઆગલો લેખ →દોસ્તો