શરદ પૂનમનો રાસ
ઢોલ ઢબૂક્યો ચોકમાં ને ઝાંઝર ઝણક્યાં રાતે,
આવો છેલછબીલા, રમીએ શરદ પૂનમની સાથે.
ઘમ્મર ઘૂમે ઘાઘરો ને ઓઢણી ઊડે લાલ,
કાનમાં ઝૂલે ઝૂમખાં ને ગાલે ગુલાબી ગુલાલ;
તાળી પડે ત્યાં તારા ખરે, ચાંદો નાચે સાથે.
ઢોલ ઢબૂક્યો…
ગલીએ ગલીએ ગરબા ગાજે, માડી દીવડે ઝગે,
ભાભી ભૂલી સાસુની બીક — સાસુ પણ રમે સંગે!
આજે ઉંમર કોઈ ન પૂછે, સૌ રમે એક જ નાતે.
ઢોલ ઢબૂક્યો…
પરાગ કહે: આ રાસ નથી, આ તો જીવનનો તાલ,
ગોળ ગોળ ઘૂમે બ્રહ્માંડ, ઘૂમે કાળનો કાળ;
જે ઘૂમ્યો તે પામ્યો, ભાઈ, રાધા-કાનની વાતે.
ઢોલ ઢબૂક્યો ચોકમાં…
– પરાગ રતનપરા