← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખલાસણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયો તો ખારો ને મારો સાયબો પ્યારો રે,
સાત સાત મહિનાથી સૂનો મારો કિનારો રે.

વહાણ ગયું ત્યારે કીધું’તું: ‘દિવાળીએ આવીશ,
તારા માટે મુંબઈથી હું રેશમી સાડી લાવીશ;’
દિવાળી ગઈ, હોળી ગઈ, ના આવ્યો કોઈ ઈશારો રે.
દરિયો તો ખારો…

રાતે ઊઠી જોયા કરું હું દીવાદાંડી આઘે,
દરેક સઢમાં એ જ દેખાય, દરેક મોજું વાગે;
દરિયાદેવ, તને નાળિયેર, પાછો દે મારો તારો રે.
દરિયો તો ખારો…

પરાગ કહે: આ દરિયો તો લઈ જાય ને પાછું આપે,
ભરતી-ઓટની રમતમાં એ સૌનું ભાગ્ય માપે;
ખલાસણ, ધીરજ રાખ, આવશે તારો પણ વારો રે.
દરિયો તો ખારો ને મારો સાયબો પ્યારો રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશરદ પૂનમનો રાસઆગલો લેખ →સરહદે