શકે તો આવજે
ઝેર મીરાં જેમ હસતાં પી શકે તો આવજે,
જે ક્ષણે છે, એ ક્ષણે બસ જી શકે તો આવજે.
આભ કોરું, મેઘ રૂઠ્યો, ને ધરા ફાટી પડી,
ખેતરોની ફાટ ખુલ્લી, સી શકે તો આવજે.
ફળ ઉતારી લઈ જનારા લાખ છે આ ગામમાં,
છાંયડો તો વૃક્ષ જેવો દઈ શકે તો આવજે.
ભાષણોમાં સૌ મહાત્મા, મંચ પર સૌ દેવતા,
કોઈનો પણ ભાર માથે લઈ શકે તો આવજે.
આ પરાગે બાગને પૂછ્યું, ‘તમારી શી શરત?’
કંટકોમાં ફૂલ જેવું થઈ શકે તો આવજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પડકાર #પ્રેમ #સેવા #સાચોમાણસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Challenge #TrueLove #Service #Integrity #ParagRatanpara