છોડી દે
કરમ કર, ને પછી ફળની બધી યે આશ છોડી દે,
જગતના મોહ-માયાના સકળ આ પાશ છોડી દે.
ઝરૂખે રોજ ગણતો તું સિતારા ને વળી વાદળ,
ઉડાનો ભર, ગણતરીનું હવે આકાશ છોડી દે.
રથે બેઠો સ્વયં શ્યામળ, તને ચિંતા ન રસ્તાની,
હવે તો શ્યામને સોંપી, બધી એ રાશ છોડી દે.
બધું ભરચક ન કર ઘરમાં, હૃદયમાં, દિવસ-રાતોમાં,
પ્રવેશી ઈશ પણ શકશે, જરા અવકાશ છોડી દે.
પરાગે ગીતમાં ગાયું, અમર છે આતમા સૌનો,
તજે છે જીર્ણ વસ્ત્રો જેમ, તેમ જ લાશ છોડી દે.
– પરાગ રતનપરા
#ગઝલ #ગીતા #કર્મયોગ #સમર્પણ #આધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #BhagavadGita #Karma #Surrender #Spirituality #ParagRatanpara