← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શહેર જતી બસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વહેલી સવારની બસ
ગામના પાદરે ઊભી છે.

છોકરો
નવી બૅગ લઈને
બારી પાસે બેઠો છે —
શહેરની કૉલેજ,
શહેરની નોકરી,
શહેરનાં સપનાં.

બારી બહાર
બા ઊભી છે,
સાડલાના છેડે
ચાર લાડુ બાંધીને.
બાપુ થોડે દૂર,
પીઠ ફેરવીને,
જાણે બસ જોવી જ ન હોય.

બસ ઊપડે છે.

છોકરો હાથ હલાવે છે.
બા હાથ હલાવે છે.
બાપુ
હજી પીઠ ફેરવીને ઊભા છે.

ધૂળ બેસી જાય છે
ત્યારે
બાપુ ફરે છે,
ખભા પરના ગમછાથી
આંખ લૂછે છે,
ને બાને કહે છે:
‘ધૂળ બહુ ઊડી, નહીં?’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફૂલમાંઆગલો લેખ →ગુજારીને