શબ્દનો રાજા
ખિસ્સાં મારાં ખાલીખમ, પણ હૈયે શબ્દ હજાર,
હું તો રાજા અક્ષરનો, મારે ઠાઠ અપાર.
શેઠ ગણે છે સિક્કા રાતે, હું ગણતો રહું તારા,
એને ઊંઘ ન આવે, મારે સપનાં આવે સારાં;
એની તિજોરી પર તાળાં, મારે ખુલ્લાં દ્વાર…
હું તો રાજા અક્ષરનો…
બાની ગાળ ને બાપુની ટકોર, બહેનીનો લલકાર,
ગામને ગોંદરે ભેગા કરિયા ભાષાના ભંડાર;
એક એક શબ્દે ગામ વસે છે, એક એક શબ્દે પ્યાર…
હું તો રાજા અક્ષરનો…
પરાગ કહે: આ શબ્દ ન ખૂટે, વાપરો તોય વધે,
વહેંચો તો એ બમણા થાયે, સંઘરો તો સડે;
મરતાં પહેલાં વહેંચી દેવો આ મોંઘો વેપાર…
હું તો રાજા અક્ષરનો…
– પરાગ રતનપરા