શબ્દની પાલખી
શબ્દની પાલખી ચાલી રે, ગુજરાતી શબ્દની પાલખી,
પેઢી દર પેઢી ખભે ઊંચકી, ભાવે ભરી ભરી આંખડી.
નરસૈંયે કરતાલ વગાડી, ઊઘડ્યું પ્રભાતિયું,
મીરાંએ એકતારે છેડ્યું ગિરધર-નામ મીઠું;
અખો ઝબકાવે ચાબખા, ઉઘાડે દંભની ઝાંખી…
શબ્દની પાલખી…
કલાપીનાં આંસુ ઝર્યાં, મેઘાણીના દુહા ગાજે,
ઉમાશંકર વિશ્વ ઝીલે, ર.પા.ની સોનલ લાજે;
મનોજ, મરીઝ, હરીન્દ્ર — સૌ ગીત-ગઝલની સાખી…
શબ્દની પાલખી…
પરાગ કહે: હું પાલખી પાછળ ઊડતી ધૂળની રજ,
ભીની આંખે શીશે ચડાવું, એ જ મારી ફરજ;
આવનારી પેઢીને સોંપું, મ્હેક જતનથી રાખી…
શબ્દની પાલખી…
– પરાગ રતનપરા