કર મને
બે ઘડી બેસે વિહગ જ્યાં, એક ડાળી કર મને,
કોઈ ભૂખ્યાના ઘરે ભરપૂર થાળી કર મને.
ગીત ગાવાનો ન દે તું કંઠ, તો પણ કૈં નહીં,
સૂર સાચો જ્યાં સુણે ત્યાં દાદ-તાળી કર મને.
ફૂલ જેવું રૂપ ના દે, તો ય ના ફરિયાદ છે,
બાગને સીંચે સદા એવો જ માળી કર મને.
ભીતરે ભરપૂર છું હું, સૂર ક્યાંથી નીકળે?
વાંસળી શો, હે પ્રભુ, હવે સાવ ખાલી કર મને.
ભીંત થઈ ઊભો હતો હું, તેજ, ખુશ્બૂ રોકતો,
આ ‘પરાગ’ કહે: હવે તો તેજ-જાળી કર મને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #પ્રભુ #સમર્પણ #નમ્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Surrender #Humility #Devotion #ParagRatanpara