રામ પધાર્યા
અવધપુરીમાં દીવા પ્રગટ્યા, રામ પધાર્યા ઘેર,
ગલીએ ગલીએ તોરણ બાંધ્યાં, આનંદ લીલાલ્હેર.
ચૌદ વરસનો વનવાસ વીત્યો, માતાની આંખ ભીની,
કૌશલ્યાએ પાલવ ઢાળ્યો, મમતા ઊભરી ઝીણી;
ભરતે પાદુકા પાછી સોંપી, આંસુ વરસ્યાં ઢેર…
અવધપુરીમાં…
શબરીનાં બોર, કેવટની નાવ, ગામ ગામ ગાથા ગાય,
હનુમાનની સેવા જોઈ ધરતી પણ હરખાય;
રામનામ જ્યાં હોઠે આવે, ત્યાં ન રહે કોઈ વેર…
અવધપુરીમાં…
પરાગ કહે: એક દીવો ભીતર પણ પ્રગટાવો ભાઈ,
અહંકારનો રાવણ બાળો, એ જ સાચી વધાઈ;
મનની અયોધ્યામાં રામ પધારે, તો દિવાળી દરેક ઘેર…
અવધપુરીમાં…
– પરાગ રતનપરા