શબ્દમાં
આંખ તો કોરી રહી, ને રાત રોયો શબ્દમાં,
એક આખો જન્મ મેં તો સાવ ખોયો શબ્દમાં.
જે કલંકો સૌ જગે દીધા, ન છૂટ્યા કોઈથી,
ડાઘ સઘળો આંસુ લઈને રોજ ધોયો શબ્દમાં.
તીરથે ના, મંદિરે ના, ના કદી દર્શન થયાં,
એક ‘મા’ લખતાં જ ઈશ્વર આમ જોયો શબ્દમાં.
ફૂલ ખરતાં’તાં બગીચે, ને સમય ભાગ્યા કરે,
એ ક્ષણોનો હાર ગૂંથી મેં ય પ્રોયો શબ્દમાં.
આ પરાગે ગંધ પીધી, રંગ પીધા ફૂલના,
ને પછી હું ફૂલ થઈને ખૂબ સોહ્યો શબ્દમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #કવિતા #વેદના #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #LivingInWords #PowerOfPoetry #Pain #Mother #ParagRatanpara