શબ્દકોશ
દાદાનો
જૂનો શબ્દકોશ
માળિયેથી મળ્યો —
પૂંઠું ઊખડેલું,
પાનાં પીળાં.
‘મા’ શબ્દ પાસે
એક સૂકું ગુલાબ દબાવેલું હતું.
‘ક્ષમા’ શબ્દ નીચે
પેન્સિલથી
લીટી દોરેલી હતી.
‘યુદ્ધ’ શબ્દ પર
કોઈએ
શાહી ઢોળી દીધી હતી —
કદાચ ભૂલથી,
કદાચ જાણીજોઈને.
ને ‘એકલતા’ના પાને
બે પાનાં વચ્ચે
દાદીનો
એક ધોળો વાળ
સાચવેલો હતો.
હું સમજી ગયો —
દાદાએ
આ શબ્દકોશમાંથી
અર્થ નહોતા શોધ્યા,
આખી જિંદગી
એમાં
સંતાડી દીધી હતી.
– પરાગ રતનપરા