શબ્દ પણ
જોઈને ખંજર બધાનાં, થઈ કટારી શબ્દ પણ,
આજકાલે તો થયા છે સૌ શિકારી શબ્દ પણ.
એક માત્રા જ્યાં ખસી, ત્યાં મિત્ર રૂઠ્યો આકરો,
કેટલા નાજુક અને કેવા દુધારી શબ્દ પણ!
એક ભાષણ સાંભળીને ત્યાં જ સમજાયું મને,
બીન ફૂંકી સૌ નચાવે, થઈ મદારી શબ્દ પણ.
માત ‘બેટા’ જ્યાં કહે, ત્યાં એમ લાગે છે મને,
હાથ જોડી હોય ઊભો કો' પુજારી શબ્દ પણ.
આ પરાગે મૌનની ચાદર જ ઓઢી છે હવે,
અર્થ માગે દર-બ-દર થઈને ભિખારી શબ્દ પણ.
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #ભાષા #મૌન #વાણી #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #Language #Silence #Speech #ParagRatanpara