શબ્દ આયો
કવિતાનો એક શબ્દ સખી, મારે આંગણ આયો,
ના મેં વાવ્યો, ના મેં વીણ્યો, તોયે મ્હોરી આયો.
રાત આખી મેં કલમ ઘસી ને ફાડ્યા કાગળ ઢગલો,
એક ન આવ્યો અક્ષર ત્યારે, થાક્યો મનનો બગલો;
પરોઢિયે ચકલીની ચીં સંગ ચૂપકીદી લઈ આયો…
કવિતાનો એક શબ્દ…
ના એ ગોઠવ્યો ગોઠવાય, ના એ ઘડ્યો ઘડાય,
દીવાની જ્યોતે જે ઝબકે, પાંપણમાં છલકાય;
માના હાલરડામાંથી જાણે ઝૂલણ લઈને આયો…
કવિતાનો એક શબ્દ…
પરાગ કહે: આ શબ્દ ન મારો, હું તો એનો ટપાલી,
ઈશ્વરનો એક કાગળ લાવ્યો, મેં તો ઝોળી ઝાલી;
વાંચનારની આંખે બેસી પાછો ઘેર એ આયો…
કવિતાનો એક શબ્દ…
– પરાગ રતનપરા