શબરી
વાટ જોઉં રે રામ, તારી વાટ જોઉં,
બોર ચાખી ચાખી, હું તો ઝૂંપડી લીંપું, ધોઉં…
ઉંમર ગઈ ને આંખે આવ્યાં ઝાંખાં ઝાંખાં જાળાં,
તોય રોજ સવારે ખોલું ઝૂંપડીનાં તાળાં;
કાંટા વીણું કેડીએથી, પગલે તારાં રોઉં…
વાટ જોઉં રે રામ…
ઋષિઓ ગયા, ગુરુજી ગયા, ગયું આખું ય વન,
રહી ગઈ હું ને રહી ગયું આ ઝીણું ઝીણું મન;
ખાટાં બોર ફેંકી દઉં, મીઠાં હૈયે સંઘરું, પ્રોઉં…
વાટ જોઉં રે રામ…
પરાગ કહે: ભક્તિ તો શબરીના બોર જેવી,
એંઠી હોય તોય ભગવાનને લાગે અમૃત એવી;
રામ આવ્યા ત્યાં ઝૂંપડીમાં ઊગ્યું આખું પ્રભાત, હું શું જોઉં?
વાટ જોઉં રે રામ…
– પરાગ રતનપરા