શાં શાં રૂપ વખાણું
શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું?
એક જ પ્રભુના સો સો ધંધા, કયું સાચું, કયું જાણું?
કોઈ કહે પ્રભુ ઘંટ-નાદમાં, કોઈ કહે અઝાને,
કોઈ કહે છે તિલક-ટીલે, કોઈ કહે જટા-ધ્યાને;
કોઈ કહે છે ગુરુની ગાદી, કોઈ કહે ગાદીનું ભાણું,
શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું?
એક સંપ્રદાય બીજાને નિંદે, ત્રીજો બેઉને ભાંડે,
ચોથો આવીને સૌની સામે નવો અખાડો માંડે;
ભગવાન તો બિચારા ભૂખ્યા, ને ભક્તો ખાય ભાણું,
શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું?
પરાગ કહે, અખાએ કીધું, ‘અંધારો કૂવો ને ઝઘડો,’
આજ ય એ જ કૂવો, ને ઝઘડો, ને ઝઘડાનો ભડકો;
જેણે ભીતરનો દીવો દીઠો, એણે છોડ્યું ગાણું,
એક જ રૂપ, ને એ જ અરૂપ, હવે શાને વખાણું?
– પરાગ રતનપરા