શા માટે
વીસ વરસ
અમે એક જ શહેરમાં રહ્યા,
એક જ છાપું વાંચ્યું,
એક જ ચૂંટણીમાં મત આપ્યો,
પણ એક પણ વાર
એકબીજાનું બારણું ન ખખડાવ્યું.
આજે
એમની નનામી પાસે બેઠો છું,
ને સગાં પૂછે છે:
‘હવે રડે છે શા માટે?’
હું શું કહું?
કે આ આંસુ એમના માટે નથી.
આ તો
પેલા વાક્ય માટે છે
જે વીસ વરસથી
મારા ગળામાં અટક્યું હતું —
‘બાપુ, ભૂલ મારી પણ હતી.’
હવે એ વાક્ય
કોને કહું?
એટલે
આંખોમાંથી કહી દઉં છું.
– પરાગ રતનપરા