સેમિનાર
‘જળ બચાવો’ વિષય પર
ત્રણ દિવસનો રાષ્ટ્રીય સેમિનાર.
એ.સી. હૉલ,
ગુલદસ્તા,
દરેક ખુરસી પાસે
બબ્બે બંધ બાટલીઓ.
વક્તાઓ બોલ્યા —
ભૂગર્ભજળ, દુષ્કાળ, ખેડૂત,
ને આંકડા, આંકડા, આંકડા.
પ્રમાણપત્રો વહેંચાયાં,
ફોટા પડ્યા,
છાપામાં સમાચાર છપાયા.
ત્રીજે દિવસે સાંજે
સફાઈ કામદાર
અડધી ભરેલી
ત્રણસો બાટલીઓ
એક પછી એક
ગટરમાં ઠાલવતો રહ્યો.
સેમિનાર સફળ રહ્યો —
જળ
ઠેઠ ગટર સુધી પહોંચ્યું.
– પરાગ રતનપરા