← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સીટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એને બોલતાં આવડતું હતું —
પણ આ ઘરમાં
કૂકરની સીટી જ
સૌથી ઊંચા અવાજે બોલતી.

પતિ બોલતા, સસરા બોલતા,
ટીવી બોલતું, છાપું બોલતું;
એ તો બસ
દાળમાં મીઠું
ને વાતમાં હા
ઉમેરતી રહેતી.

એક સાંજે
એણે કૂકર ઉતાર્યું,
ગૅસ બંધ કર્યો,
સાડલાના છેડે હાથ લૂછ્યા
ને શાંતિથી કહ્યું:
‘હું પણ ભણેલી છું.
મારે નોકરી કરવી છે.’

આખું ઘર ચૂપ થઈ ગયું —
વરસોમાં પહેલી વાર
આ રસોડામાંથી
એની પોતાની સીટી વાગી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારે પગેઆગલો લેખ →બારીએ દીવો