સવારનો સૂરજ
સૂરજ
સૌથી પહેલાં
ઝૂંપડપટ્ટીમાં ઊગે છે.
મોટા બંગલાઓના
જાડા પડદા પાછળ
હજી સૌ ઊંઘે છે,
ત્યારે
કચરો વીણતી નાની મુન્ની
ખભે કોથળો લઈને
સૂરજને
પહેલી સલામ ભરે છે.
સૂરજ
એના વાળમાં
સોનેરી રિબન બાંધે છે,
એના ગાલ પર
ગુલાબી ગુલાલ ઘસે છે.
મુન્ની હસે છે.
દસ વાગે
બંગલાઓની બારી ખૂલે છે,
ને કોઈ બોલે છે:
‘ઉફ, કેટલો તડકો છે!’
સૂરજ
ત્યારે
થાકી ગયો હોય છે.
– પરાગ રતનપરા