સૌનું ગજું
ઝાકળને ઝાકળનું ગજું, દરિયાને દરિયાનું,
કોઈ ન મોટું, કોઈ ન નાનું, સૌ પોતપોતાનું.
ચકલી બાંધે માળો નાનો, ગરુડ ચડે આકાશે,
ચકલીના એ માળામાં પણ ઈંડાં ઊંઘે હાશે;
ગરુડને પૂછો: ‘ક્યારે ભાળ્યું સુખ આવા ઝીણાનું?’
ઝાકળને ઝાકળનું…
દીવો કહે: હું સૂરજ નથી, પણ ઓરડો મારો,
સૂરજ જ્યાં ના પહોંચે, ત્યાં હું જ ઊભો ઉજિયારો;
અજવાળું ના માગે કોઈ નામ, ન કોઈ ઠેકાણું…
ઝાકળને ઝાકળનું…
પરાગ કહે: ઉછીની ઊંચાઈ લઈને શું કરવું?
પોતાને ગજે ફૂલ ખીલે, તો ખીલીને ખરવું;
સૌની પોતાની ખુશ્બૂ છે, સૌનું પોતાનું ગાણું…
ઝાકળને ઝાકળનું…
– પરાગ રતનપરા