← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગલાં વિના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પગલાં વિના આવ્યા રે શ્યામ મારી ઝૂંપડીએ,
ન ઢોલ, ન શરણાઈ, તોય અજવાળું ભીંતડીએ.

હું તો વાળતી’તી આંગણું, મારે હાથ સાવરણી,
પાછળથી કોઈ બોલ્યું ‘રાધા!’, સરી પડી મારી ઓઢણી;
ના ફૂલ, ના થાળ, ના દીવો — બેસાડ્યા મેં ખાટલીએ…
પગલાં વિના…

છાશ ધરી મેં માટીના વાટકે, રોટલો બાજરીનો,
હરિ જમ્યા, ને આંખ છલકી, ઘૂંટડો જાણે સાગરનો;
ઓડકાર ખાઈ બોલ્યા: ‘આવો સ્વાદ ક્યાં દ્વારિકા-મ્હેલીએ?’
પગલાં વિના…

પરાગ કહે: હરિ આવે ત્યારે ઢંઢેરો ના પીટે,
ખોલી રાખો હૈયાનું બારણું, પછી જુઓ શું દીઠે!
મોટાં મંદિર મેલી હરજી આવે નાની ગલીએ…
પગલાં વિના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઊંધી થાળીઆગલો લેખ →સૌનું ગજું