સત્ય
આયનો તોડી નખાયો, એ જ તો નબળાઈ છે,
સત્યના રસ્તા ઉપર તો રોજ ઊંડી ખાઈ છે.
સત્ય છાપ્યું, ને મળી ધમકી ઘરે આવી, અને
જીહજૂરીને ઇનામો, આ જ તો લુચ્ચાઈ છે.
જૂઠ અફવાની ચડીને પાંખ ઊડે ગામમાં,
સત્યને તો ચાલવામાં પણ ઘણી કઠણાઈ છે.
જેલમાં બેઠા ફકીરો, ને ઠગો ગાદી ઉપર,
આંખ પર પાટો ચડાવ્યો ન્યાયને, ચતુરાઈ છે.
આ પરાગે સત્ય કીધું, તો બધા છોડી ગયા,
દામમાં બસ એકલપણું ને બધી રુસવાઈ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સત્ય #વ્યંગ #અફવા #ન્યાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Truth #Satire #FakeNews #Justice #ParagRatanpara