સસ્તું-મોંઘું
ડેટા સસ્તો, વાતો સસ્તી, સસ્તી થઈ ગઈ તાળી,
દાળ મોંઘી, ડુંગળી મોંઘી, મોંઘી થઈ ઘરવાળી!
ફોનમાં મળે ‘મફત’ ઑફર, ‘એક પર એક’ બજારે,
પણ ઘરડાં માબાપની પાસે બેસવું મોંઘું ભારે;
સમય વેચાયો ‘સેલ’માં, ને ખાલી રહી ગઈ થાળી…
ડેટા સસ્તો…
‘લાઇક’ સસ્તી, ‘શેર’ સસ્તા, ‘ફૉલોઅર’ પણ મળે ભાવે,
સાચો મિત્ર શોધવા જાઓ, તો આખો ભવ ના આવે;
હાસ્ય મળે ઇમોજીમાં, પણ આંખ રહે છે ખાલી…
ડેટા સસ્તો…
પરાગ કહે: આ ભાવપત્રકમાં એક જ વસ્તુ અમૂલ,
માણસાઈ ના મળે કોઈ મૉલે, ના મળે કોઈ સ્કૂલ;
એ તો મળે છે માના ખોળે, કે મિત્રની હથેળી ઝાલી…
ડેટા સસ્તો…
– પરાગ રતનપરા