સરનામું
રાત્રે
તેણે મારો હાથ લઈ
પોતાના પેટ પર મૂક્યો,
અને કહ્યું, “ચૂપ… સાંભળ.”
હાથથી તે કોઈ સાંભળતું હશે?
મેં હસવા જેવું કર્યું
ત્યાં જ
અંદરથી કોઈએ
મારી હથેળીમાં
નાનકડી ટકોર મારી —
જાણે બંધ બારણાની પેલી બાજુથી
કોઈ પૂછતું હોય:
“ઘરમાં કોઈ છે?”
ત્રીસ વર્ષથી
હું આ ઘરમાં રહું છું,
પણ આજે પહેલી વાર
મને લાગ્યું કે
જવાબ આપવો પડશે.
મેં ધીમેથી કહ્યું,
“હા, છું… તારી જ રાહ જોઉં છું.”
એ રાતે
હું હજી પિતા નહોતો થયો,
પણ પહેલી વાર
કોઈનું સરનામું બની ગયો હતો.
– પરાગ રતનપરા