સપનું હતું
એક નાના બીજને તો શાખનું સપનું હતું,
બંધ ઈંડાને ગગનની પાંખનું સપનું હતું.
લોટરીની ટિકિટ લઈને સૂઈ ગ્યો, ને રાતભર
ઝૂંપડી ટપકે, છતાં બસ લાખનું સપનું હતું.
આખરી શ્વાસે પિતાએ ગંગ માગી’તી, અને
જીવતાં પણ એમને એ રાખનું સપનું હતું.
ફાગણે ઝૂલા ઉપર ઝૂલી રહી’તી છોકરી,
ને નયનમાં લગ્નના વૈશાખનું સપનું હતું.
ફૂલમાં સૂતો હતો, ને ઊડવાનું મન, ‘પરાગ’,
મ્હેક થઈને કોઈની એ આંખનું સપનું હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #સપનાં #પિતા #ગરીબી #વસંત #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #FathersWish #HopeInPoverty #YoungLove #ParagRatanpara