સમજાયો મને
દીકરો મારો થયો ત્યાં બાપ સમજાયો મને,
જાત બાળી ને પછી એ તાપ સમજાયો મને.
રીસમાં બા બોલતી: ‘તું પામજે તારા સમું,’
આજ બાળક જોઈ મારાં, શાપ સમજાયો મને.
હું હસું, દાદી જપે માળા, હતો હું બાળ ત્યાં,
આ ઉદાસી જ્યાં વળી, ત્યાં જાપ સમજાયો મને.
ગૂગલે આખું જગત ભાળી થયો જ્ઞાની ઘણો,
ગામડે જઈ ભૂલ પડતાં વ્યાપ સમજાયો મને.
ફૂલ તોડ્યું’તું પરાગે બાળપણમાં રમતમાં,
ડાળ સૂની જોઈ ત્યાં સંતાપ સમજાયો મને.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #સમજણ #અનુભવ #પસ્તાવો #પરાગરતનપરા
#GujaratiGhazal #Fatherhood #LateRealisations #WisdomOfAge #Regret #ParagRatanpara