← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૈયર, આ કેવો નાતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંકળ ખખડાવી, ને ઊઘડી ગઈ બારી,
સૈયર, આ કેવો રે નાતો અમારો!

આંગણે ઊભો તો એ બોલ્યો ન કંઈ,
મેં ય ન પૂછ્યું કે ‘કેમ આવ્યો, અહીં?’
તુલસીએ પાંદડું ખેરવ્યું ધીમે,
દીવાએ જ્યોત જરા ઊંચી કરી;
વગર બોલાવે જ્યાં વાદળ વરસે,
એવો રે ભીંજવતો નાતો અમારો…
સૈયર, આ કેવો રે નાતો અમારો!

ઓઢણીનો છેડો તો હાથમાં રહ્યો,
ને ઓઢણીનો રંગ એની આંખમાં ગયો;
ગામ આખું પૂછે છે, ‘કોણ હતો એ?’
મારો તો જવાબ પણ શરમાઈ ગયો;
નામ નથી, ઠામ નથી, તો ય લાગે,
જનમોજનમનો એ સથવારો અમારો…
સૈયર, આ કેવો રે નાતો અમારો!

પરાગ કહે, ના પૂછો સગપણની રીત,
ફૂલ ને ભમરાની ક્યાં લખાય છે પ્રીત?
દીવાલો ઓગળી ને ઊઘડ્યાં કમાડ,
હૈયે ગવાઈ ગયું અણલખ્યું ગીત;
દ્વાર તો નિમિત્ત, સૈયર, સાચે સાચું,
હૈયાથી હૈયાનો આ પરભારો અમારો…
સૈયર, આ કેવો રે નાતો અમારો!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએક ઓશીકુંઆગલો લેખ →હાર્યા પછી