← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સહેલું છે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાળક થવું
સહેલું છે?

ખાબોચિયું જુઓ
ને બૂટ ઉતાર્યા વિના
કૂદી પડવું,
ને મા ખિજાય ત્યારે
એના ગુસ્સામાં પણ
પોતાનું નામ સાંભળીને
હસી પડવું.

રીસાઈને
આખો દિવસ ન બોલવાનું નક્કી કરવું,
ને પાંચ મિનિટ પછી
ભૂલી જવું
કે રીસાયા હતા.

ચાંદાને
ઘરની બારીમાંથી
ખિસ્સામાં મૂકી દેવો,
ને સવારે
ખિસ્સું ખાલી જોઈને
સૂરજ પર શંકા કરવી.

અમે મોટા થયા
તો ઘણું શીખ્યા —
પણ ખાબોચિયું જોઈને
હવે
પહેલાં બૂટ જોઈએ છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખટાંકણુંઆગલો લેખ →ઝંઝાવાત