← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સગપણ હતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાદરે ઊભા વડે, સૌ ગામનું સગપણ હતું,
જે વિદેશે ગ્યા, પછી તો નામનું સગપણ હતું.

ખેતરે ચાસે ટપકતો રોજ પરસેવો, અને
ધૂળ સાથે ખેડુને એ ઘામનું સગપણ હતું.

બોર એંઠાં ખાઈ લીધાં ભીલડીની ઝૂંપડે,
જાત ના, ના નાત, કેવળ રામનું સગપણ હતું.

દ્વારિકામાં મ્હેલ, રાણી, રાજ ને વૈભવ હતો,
રાધિકાને તો ફકત એ શ્યામનું સગપણ હતું.

આ પરાગે બાગ છોડ્યો, ડાળ છોડી, ફૂલ પણ,
ને પવન સાથે અમારે કામનું સગપણ હતું.

– પરાગ રતનપરા

#ગઝલ #સગપણ #સંબંધ #શબરી #રાધાકૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationships #Bonds #Shabari #RadhaKrishna #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતરસ છેઆગલો લેખ →પીઠ પર