← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સફેદ રણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કચ્છના રણમાં
પૂનમની રાતે
મીઠું
ચાંદની પહેરીને સૂતું છે.

દૂર દૂર સુધી
સફેદ —
જાણે આકાશે
પોતાનું ધોયેલું ધોતિયું
અહીં સૂકવવા પાથર્યું હોય.

પ્રવાસીઓ
સેલ્ફી લે છે,
ઊંટ પર બેસીને
‘વાઉ!’ કહે છે,
તંબૂમાં ગરબા રમે છે.

સવારે
એ જ મીઠું
અગરિયાના પગમાં
ચીરા પાડે છે —
જેણે ત્રણ પેઢીથી
આ સફેદીને
પરસેવાથી
ઉછેરી છે.

રાતે જે ચાંદની હતી,
દિવસે
એ જ
ઘા પર ભભરાવેલું
મીઠું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફોનમાંઆગલો લેખ →મેહુલિયા, તું આવ