← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સફર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું
કોઈ સ્ટેશન નથી
કે જ્યાં પહોંચીને
હું સામાન ઉતારું.

તું
આખો રસ્તો છે —
બારીમાંથી પસાર થતાં
ખેતરો જેવો,
ક્યારેક લીલો,
ક્યારેક સૂકો,
ક્યારેક અચાનક
પુલ નીચે ચમકતી નદી જેવો.

હું ટિકિટ સાચવીને બેઠો છું,
પણ કોઈ ટીસી
એ જોવા નથી આવતો.

કદાચ
પ્રેમની ગાડીમાં
ટિકિટ ચકાસાતી નથી,
માત્ર
ઊતરવાનું સ્ટેશન
પૂછાય છે.

અને હું
દરેક વખતે
કહી દઉં છું —
‘આગલું.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછલકાતી આંખઆગલો લેખ →ચા-પાણી