સાયબા, મેલો મોબાઈલ
સાયબા, મેલો હવે મોબાઈલ, મારી સામું ભાળો,
ઘડીક આંખ્યું ઊંચી કરીને મારું મુખડું ન્યાળો.
સવાર પડે ને ‘ગુડ મોર્નિંગ’ સૌને મોકલો તમે,
મારી ચા ઠંડી થઈ જાય, તોય ન પૂછો, કેમ ગમે?
ચૂલે બળી ગઈ ખીચડી, તોય તમે ‘રીલ્સ’ ઉલાળો…
સાયબા, મેલો…
મેં પહેરી નવલી સાડી, ને તમે ‘લાઈક’ કરો બીજાને,
મારા ફોટા પાડો નહીં, ને સેલ્ફી ખેંચો ઢાબાને;
હું રિસાઈ બેઠી ખૂણે, તમે ‘સ્ટેટસ’ સંભાળો…
સાયબા, મેલો…
પરાગ કહે: આ સાયબાજીને પાઠ ભણાવ્યો રૂડો,
વાઇ-ફાઇનો પાસવર્ડ બદલ્યો, રાઉટર મૂક્યો ઊંડો;
હવે સાયબો કરગરે: ‘વહાલી, પાસવર્ડ તો આલો!’…
સાયબા, મેલો…
– પરાગ રતનપરા