સાત સમંદર પાર
સૈયર, એને ત્યાં સવાર ને મારે ત્યાં તો રાત,
સાત સમંદર પારથી આવે અડધી ઊંઘે વાત.
ફોનની ઘંટડી રણકે ત્યાં તો ઝબકી જાગું હું,
‘જમી?’ પૂછે, ‘ઠંડી?’ પૂછે, ‘મારી યાદે રડતી તું?’
હું તો કહું ‘ના’, ને ઓશીકું ભીંજાય આખી રાત…
સૈયર, એને ત્યાં…
ડૉલરની ઝળહળમાં એ તો ભૂલ્યો ચૈતર-ફાગ,
અહીં આંગણે આંબો મ્હોર્યો, કોયલ ગાતી રાગ;
વીડિયો-કૉલમાં ચાંદો દેખું, પણ ના અડે એનો હાથ…
સૈયર, એને ત્યાં…
પરાગ કહે: આ ઘડિયાળો તો જુદી જુદી ચાલે,
પણ બે હૈયાં એક જ ટકટક, એ જ ધબકતાં તાલે;
ક્યારેક એ દિ’ ઊગશે, જ્યાં એક જ હોય પ્રભાત…
સૈયર, એને ત્યાં…
– પરાગ રતનપરા