નહીં માગું
ભલે તરસે મરું, પણ હું કદીયે જળ નહીં માગું,
ઝુકાવીને કદી મસ્તક, સુખી કો પળ નહીં માગું.
ભલે છાંયો નથી માથે, ભલે પગમાં ઘણા છાલા,
પરાયા બાગનું મીઠું ભલે હો ફળ, નહીં માગું.
મને લડવું પડે જગથી, લડીશું એકલા ઊભા,
ખભાની આડ, બીજાનું ઉછીનું બળ નહીં માગું.
હથેળીની બધી રેખા ઘડી છે જાત પરસેવે,
ગ્રહોની ચાલ કે જોષી તણું કો છળ નહીં માગું.
પરાગે વાયરે ઊડી, ભલે વેરાઈ જાવું છે,
બગીચાના ધણી પાસે રહું એ સ્થળ નહીં માગું.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વમાન #ખુમારી #આત્મનિર્ભરતા #પરસેવો #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #Dignity #SelfReliance #NoBegging #ParagRatanpara