સાક્ષી
એ રાતે
આપણે બંને
કશું જ ન બોલ્યાં.
બારીમાંથી ચાંદો
ડોકિયું કરી
પાછો વળી ગયો.
ઓરડાના ખૂણે
એક કોડિયું
આખી રાત
ધ્રૂજતું રહ્યું —
પવન નહોતો, તોય.
સવારે
વાટ બળી ગઈ હતી,
તેલ ખૂટી ગયું હતું.
કોઈ પૂછે તો
એ કોડિયું
કશું નહીં કહે;
સાક્ષી
હંમેશાં
પોતાને જ બાળીને
ચૂપ રહે છે.
– પરાગ રતનપરા