સાચી ગઝલ
જે હૃદયમાંથી ઝરે, એ ભાવની સાચી ગઝલ,
જે રડાવે, જે રુઝાવે ઘાવની સાચી ગઝલ.
ધોમ તડકે ચાલનારા પાંથ જ્યાં થાકી પડે,
ત્યાં ઘડી બેસી શકે એ છાંવની સાચી ગઝલ.
ઘૂઘવે સાગર ભલે, વંટોળ વચ્ચે પણ તરે,
હાથમાં હિંમત-હલેસું, નાવની સાચી ગઝલ.
હાર-જીતે ખેલ ચાલે, ભાગ્યનાં પત્તાં વડે,
હારમાં પણ જે હસે, એ દાવની સાચી ગઝલ.
ઊતરે જે તળ સુધી, એને મળે શીતળ સલિલ,
આ ‘પરાગે’ કંઠ ભીંજ્યો, વાવની સાચી ગઝલ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગઝલવિશે #કવિતા #ભાવ #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #OnPoetry #TrueGhazal #Emotion #ArtOfGhazal #ParagRatanpara