ઋતુનાં કપડાં
ઋતુ
દર ત્રણ મહિને
કપડાં બદલે છે —
ક્યારેક લીલાં,
ક્યારેક પીળાં,
ક્યારેક સાવ સફેદ, ધુમ્મસનાં.
ઝાડ
વિના ફરિયાદ
પાંદડાં ઉતારે છે,
ને પાછાં પહેરે છે.
માણસ
એક જ જૂનો કોટ
વર્ષો સુધી પહેરી રાખે છે —
અહંકારનો.
ઠંડી હોય કે ગરમી,
એ ઉતારતો નથી.
ને પછી ફરિયાદ કરે છે:
‘મારામાં વસંત
કેમ નથી આવતી?’
– પરાગ રતનપરા