રોટલો, ઓટલો ને ગરબો
રોટલો, ઓટલો, ને ગરબો, ગુજરાતની ઓળખ ત્રણ,
આવો, ભઈ, બેસો ઘડી, આ ખાટલે મીઠું મન.
ગિરનારે જઈ ભજન સુણો, સોમનાથે શંખ,
કચ્છના રણમાં ચાંદની જુઓ, ઊગે મનને પંખ;
ડાંગનાં જંગલ, દરિયો દીવનો, આંખ ઠરે એવાં વન…
રોટલો, ઓટલો, ને ગરબો…
ખમણ, ઢોકળાં, ફાફડા, ને ઊંધિયાની ગંધ,
નફો-તોટો ગણે ભલે, પણ દિલમાં ભર્યો ઉમંગ;
મહેમાન આવે આંગણે, તો કરે જીવથી જતન…
રોટલો, ઓટલો, ને ગરબો…
પરાગ કહે: ગાંધી, સરદાર, નરસૈંયાની ધરતી,
શબ્દે શબ્દે મેઘાણીની કવિતા જ્યાં ઝરતી;
દેશ-વિદેશે ગુજરાતી, પણ હૈયે એક જ વતન…
રોટલો, ઓટલો, ને ગરબો…
– પરાગ રતનપરા