રોટલી વણતી સ્ત્રીનું ગીત
વેલણ ફરે ને મારી રોટલી ફૂલે,
તારી યાદે મારું હૈયું ય ઝૂલે.
ગોળ ગોળ રોટલી જાણે પૂનમનો ચાંદ,
તાવડીએ નાખું ત્યાં તો શેકાય મારો સાદ;
સાંજ પડે ને તારી વાટે આંખ્યું મારી ખૂલે…
વેલણ ફરે…
લોટમાં ભેળું ચપટી મીઠું, ચપટી મારું હેત,
પાટલે બેસી ગણગણું તારાં ગામનાં ગીત;
ઘીની ધાર કરું ત્યાં મારાં સપનાંનાં ફૂલ ખૂલે…
વેલણ ફરે…
પરાગ કહે: પહેલી રોટલી ગાયને, બીજી તને,
ત્રીજી કૂતરાને, ને ચોથી? — ભૂલી ગઈ એ મને;
આખા ઘરને જમાડી, સ્ત્રી પોતાની ભૂખ ભૂલે…
વેલણ ફરે…
– પરાગ રતનપરા