રોટલી
બાએ સાઠ વરસમાં
કેટલી રોટલી વણી હશે?
મેં ગણતરી માંડી —
દિવસની ચાલીસ,
વરસની ચૌદ હજાર,
સાઠ વરસની…
કૅલ્ક્યુલેટર થાકી ગયું.
બા કદી
યોગના વર્ગમાં નથી ગઈ,
ધ્યાનની શિબિરમાં નથી ગઈ.
પણ વેલણ ફરે ત્યારે
એના શ્વાસ
એવા ધીમા, એવા એકસરખા…
ને રોટલી
દર વખતે
પૂનમના ચાંદ જેવી ગોળ.
સાધના
કદાચ આને જ કહેતા હશે —
એક જ કામ,
રોજ,
એટલા પ્રેમથી
કે કામ
પ્રાર્થના બની જાય.
– પરાગ રતનપરા